રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આકરો તાપમાનનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં હાલમાં ચાલી રહેલી હિમવર્ષા અને બરફવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (WD)ની અસરને કારણે વાતાવરણમાં ઠંડક રહેશે. પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફ રહેશે, જેના કારણે ઠંડા પવનો ફૂંકાશે અને ગરમીથી રાહત મળશે. આગામી સાત દિવસ સુધી હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય, ત્યારબાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. આ ઘટાડાનું મુખ્ય કારણ ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી પસાર થઈ રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. પવનની દિશામાં થતા ફેરફારને કારણે ઉત્તર દિશાથી ઠંડા પવનો ફૂંકાશે, જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.