ભારતે પાકિસ્તાન પર મહાવિજય હાંસલ કરી, દેશભરમાં ઉજવણીનો માહોલ

ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટેની મહત્વપૂર્ણ મુકાબલામાં પોતાના પરંપરાગત હરીફ પાકિસ્તાનને 6 વિકેટથી પરાજય આપીને સેમીફાઈનલ તરફ મજબૂત પગલાં ભર્યાં છે. બાંગ્લાદેશને માત આપ્યા બાદ ભારતીય ટીમે એક વાર ફરીથી પ્રભાવશાળી પ્રદર્શન કરીને ક્રિકેટ પ્રેમીઓના દિલ જીત્યા. ખાસ કરીને વિરાટ કોહલીની શાનદાર બેટિંગ અને અંતિમ બોલ પર ફટકારેલા વિજયી ચોગ્ગાેે ક્રિકેટ રસિકો માટે યાદગાર પળ બની. આ વિજયનો આનંદ સમગ્ર દેશમાં જુસ્સાથી ઉજવાયો. ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા સહિત વિવિધ શહેરોમાં ક્રિકેટ ચાહકો રસ્તાઓ પર ઊમટ્યા. અમદાવાદના સિંધુ ભવન રોડ, એસ.જી. હાઈવે અને ઘાટલોડિયા વિસ્તારમાં તિરંગા લહેરાવતા લોકો જોવા મળ્યા, જયારે સુરતમાં ફટાકડા ફોડી અને નારા લગાવી જીતની ખુશી મનાવવામાં આવી. વડોદરાના માંડવીથી લહેરીપુરા દરવાજા સુધીનો વિસ્તાર દર્શકોની ભીડથી ખચાખચ ભરાયો. ટીમ ઈન્ડિયાના આ શાનદાર પ્રદર્શન પછી દેશભરમાં જશ્નનો માહોલ જોવા મળ્યો. क्रिकेट રસિકોએ આ જીતને એક તહેવારની જેમ ઉજવી અને ટીમ ઈન્ડિયાના ચમકતા પ્રદર્શન માટે હર્ષધ્વનિઓ સાથે શુભેચ્છાઓ પાઠવી.