ગુજરાતટોપ સ્ટોરીઝ
સમુદ્ર દર્શન પથ પાસે ભવ્ય સોમનાથ મહોત્સવ: શ્રદ્ધાળુઓ માટે ખાસ કાર્યક્રમો

મહાશિવરાત્રીના પાવન અવસર પર, સોમનાથ મંદિર ખાતે તા. 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન ‘સોમનાથ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસીય મહોત્સવમાં કલા અને સંસ્કૃતિના માધ્યમથી ભગવાન શિવની આરાધના કરવામાં આવશે. યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC), જૂનાગઢ વિભાગે વિશેષ વ્યવસ્થા કરી છે. વેરાવળ બસ સ્ટેશનથી સોમનાથ મહોત્સવ સ્થળ (સમુદ્ર દર્શન પથ પાસેનું મેદાન) સુધી જવા અને પરત આવવા માટે વધારાની બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે. મહોત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ભજન-કીર્તન, મહાઆરતી અને શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રખ્યાત કલાકારો દ્વારા શિવ મહિમાનું વર્ણન કરતા નૃત્ય અને સંગીત રજૂ કરવામાં આવશે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ શિવભક્તોને આ મહોત્સવમાં સહભાગી થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.